વાંકાનેર : નવા ગારિયા ગામ પીવાનાં પાણીથી અછતગ્રસ્ત

પાણીનો બોર ડૂકી જતા મેન્ટેનસ પંચાયતના બદલે પ્રજાને કરવું પડ્યું

વાંકાનેર : વાંકાનેર પાસે આવેલા યજ્ઞપુરુષ નગર નવા ગારિયામાં વસતા આશરે ૮૦ જેટલા પરિવારો પીવાનાં પાણીની તંગીથી કફોડી હાલતમાં મુકાયા છે. પીવાના પાણીની ગંભીર સમસ્યાથી પીડાય ગામના યુવાને હાલમાં તાલુકા પંચાયત અધિકારીને લેખિતમાં ફરિયાદ તો કરી છે પણ હજુ સુધી કોઈ નક્કર પગલા લઈ પીવાના પાણીની તંગી દૂર કરવામાં આવી નથી.
ઈ.સ. ૨૦૦૧માં વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલું ભૂકંપગ્રસ્ત ગારિયા ગામને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા સરખું કરી ૮૦ જેટલા ઘરોનું નવું નગર હાઈવે નજીક બાંધી યજ્ઞ પુરુષ નગર તરીકે લોકાર્પણ કર્યું હતું, ગ્રામપંચાયત હેઠળ આવેલા આ નાનકડા ગામમાં છેલ્લા કેટલાંક સમયથી અન્યાયપૂર્ણ અછુટું વર્તન કરવામાં આવી રહ્યું છે. સ્વામીનારાયણ સંસ્થા દ્વારા જે-તે સમયે પીવાના પાણીનાં કરી આપેલા બોરનું મેન્ટેનન્સ પણ યોગ્ય રીતે પંચાયત ન કરતી હોવાથી પ્રજાએ કરવું પડ્યું હોવાનું જાણમાં આવ્યું છે. આથી આ નગરના એક યુવક અર્જુનસિંહ વાળાએ તાલુકા પંચાયત અધિકારીને પોતાના ગામની વરવી પરિસ્થિતિનો અંદાજ આપતી લેખિત અરજી કરી ઘટતું કરવાની માંગ કરી છે. ધાર્મિક સંસ્થાએ કરેલી સહાયને રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર જાળવી ગામવાસીઓને પ્રાથમિક સુખસુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે અગામી સમયમાં આ અંગે કોઈ અસરકારક પગલા લેવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું.