મોરબી : સીવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરે લાંચ માગ્યાની ફરિયાદ

- text


વાંકાનેરનાં યુવકને પિતાનાં ફિઝીકલ સર્ટીફિકેટ બદલ અપમાન સાથે 3 હજાર રૂ.ની માંગણી : હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની વાતને સમર્થન

મોરબી : જિલ્લા કક્ષાની મુખ્ય આરોગ્ય કમ અગવડધામ સમી મોરબી સિવિલ હોસ્પિટલની પ્રતિષ્ઠાને વધુ કલંક લગાડતો વધુ એક દાગદાર કિસ્સો ધ્યાને અને ચર્ચાએ ચડ્યો છે. પિતાના ફિઝીકલ સર્ટીફિકેટ કાઢવા માટે વાંકાનેરનો યુવક હોસ્પિટલમાં આવે છે ત્યારે હોસ્પિટલનાં કર્મચારી દ્વારા તેની જોડે અણછાજતું વર્તન ઉપરાંત રૂ. ૩ હજાર માગ્યાની સિવિલ હોસ્પિટલના અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાંકાનેરનાં ચંદ્રપુર ગામે રહેતા જુણેજા અકબરભાઈ અબ્દુલભાઈએ મોરબી સિવિલ હોસ્પિટલનાં અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, તેઓ તેમના પિતાના ફિઝીકલ ફિટનેશ સર્ટીફિકેટ કાઢવા માટે ગત તા. ૧૮ મેનાં રોજ મોરબી સિવિલ હોસ્પિટલે આવ્યા હતા. પરંતુ તે સમયે આ કામગીરી ન થતાં ફરી ગઈ કાલે તેઓ સિવિલ હોસ્પિટલે પિતાના ફિઝિકલ ફિટનેશ સર્ટીફિકેટ કઢાવવા આવ્યાં હતાં. તે સમયે ફરજ પરના હોસ્પિટલનાં એક કર્મચારીએ તેમની પાસેથી કામનાં બદલામાં લાંચ માગ્યા ઉપરાંત યુવાનને કર્મચારીએ કહ્યું હતું કે, રૂ. ૩ હજાર આપો તો જ તાત્કાલિક આ કામગીરી હાથમાં લેવામાં આવશે. નહીતર તમારે ધક્કા જ ખાવા પડશે. આમ તો સરકારી હોસ્પીટલમાં કેસ કાઢવા માટે સામાન્ય ફી સિવાય કોઈ ચાર્જ લેવાતો નથી. આથી કર્મચારીની આ વાતથી ભયભીત થયેલા અકબરભાઈએ આ કર્મચારી તથા અન્ય ડોકટોરોને ઉગ્ર રજૂઆતઓ કરી હતી પરંતુ તેઓએ પણ કોઈ વાત ન સાંભળતા અંતે અકબરભાઈએ આ અંગે અધિક્ષકને કડક કાર્યવાહી કરવા લેખિતમાં ફરિયાદ કરી હતી.

- text

- text