વાંકાનેર : પાલિકાની ભૂલોનું પરિણામ પ્રજાએ ભોગવી નાછુટકે વેઠવી પડતી હાલાકી

- text


એક સમયે સૌરાષ્ટ્રની શાન સમા વાંકાનેર શહેરનાં રોડ-રસ્તાની હાલત ઉબડ-ખાબડ

વાકાનેર : છેલ્લા ચારથી પાંચ મહિના દરમિયાન વાંકાનેર શહેરી વિસ્તારની હાલત શહેરને બદલે અવિકસિત ગામડાનાં કે કોઈ મફતિયા પરાના વિસ્તાર જેવી થઈ ગઈ છે. એક સમયમાં વાંકાનેરનાં રોડરસ્તાઓ સમગ્ર સૌરાષ્ટ્રની પાલિકામાં ઉદાહરણરૂપ હતા પરંતુ હાલમાં વાંકાનેરનાં ડામર રસ્તાઓ કોઈ પછાત ગામડા જેવા ઉબડ-ખાબડ થઈ ચૂક્યા છે. અધૂરામાં પૂરું ઉનાળામાં ઉડતી ધૂળની ડમરીઓ એ તો જાણે માઝા મૂકી દીધી છે.
વાંકાનેર પાલિકાનું શાસન પણ એક વખતમાં સુદ્રઢ અને શ્રેષ્ઠ ગણાતું ત્યારે આજે પાણી વિતરણ કે અન્ય કોઈપણ વહીવટી બાબતે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાંકાનેર એક નમૂનેદાર ગંદુ અવિકસિત ગામડું તરીકે નામ મેળવી ચૂક્યું છે.
છેલ્લા પાંચેક માસથી ભૂગર્ભ ગટરના કામોને કારણે સમગ્ર શહેરમાં મોટાભાગના મુખ્ય અને શેરીના રસ્તાઓને ખોદીને પડ્યા હતા, જે ભૂગર્ભનું કામ જેમ જેમ પૂર્ણ થતું ગયું તેમ તેમ તેને સમથળ કરવાના કોઈ પણ પગલા કરવામાં આવ્યા નથી. આજની તારીખે પણ મુખ્ય આવાગમનના રસ્તાઓ પરથી રાહદારીઓ-વાહનચાલકો પસાર થતા જાણે પર્વતારોહણ કે ઊંટ પર સવારી કરતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે.
વાંકાનેર પાલિકા દ્વારા એકાદ વખત ખોદેલા રસ્તો પર માટી નાખી તેને સમથળ કરવાનો પ્રયાસ હાથ ધરેલ પરંતુ તેનાથી તો સ્થિતિ વધુ બગડી ગઈ છે. હાલમાં આ માટીઓની ડમરીઓ ઉડતી રહે છે અને રોડ કે શેરીઓમાંથી કોઈ પણ વાહન કે પવનની લહેરખી આવતા મકાન અને દુકાનની સાથોસાથ લોકો ખુદ ધૂળધાણી થઈ જાય છે. જેના કારણે લોકોના આરોગ્ય પર પણ સારી એવી ખરાબ અસર પડે છે.
આ સમગ્ર બાબતે મોરબી અપડેટએ વાંકાનેર ચીફ ઓફિસર દશરથસિંહ ચાવડા સાથે વાત કરતા જણાવેલ કે, હાલમાં આ રોડ રસ્તા બાબતે ટેન્ડર પ્રક્રિયા અમો એ કરી લીધી છે. એજન્સીઓના ભાવ પણ આવી ગયા હોય બે ત્રણ દિવસમાં વર્ક ઓડર આપી દેવાશે.
આમ, જો તાત્કાલિક અ રસ્તાઓને સમથળ કરી ફરી ડામર રોડ વ્યવસ્થિત કરવામાં આવશે તો ચોમાસા પહેલાં સમગ્ર સ્થિતિ કાબુમાં આવવાના આસાર છે. નહી તો પ્રજાને તંત્રની નિષ્ફળતાનંક વધુ એક ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

- text

- text