ટંકારા નજીક પદયાત્રી પરિવારને અજાણ્યા વાહને લીધુ હડફેટે : એક મૃત્યુ બે ગંભીર

- text


માતાજીની માનતા પૂરી કરવા પગપાળા જતા કોળી પરિવારને રાજકોટ-મોરબી હાઈવે વચ્ચે બેકાબૂ ઝડપે પસાર થતા વાહને કર્યું હીટ એન્ડ રન

મોરબીનાં વીસી ફાટક પાસે રહેતા બેચર મગનભાઈ ટીડાણી નામનાં વ્યક્તિનું મૃત્યુ

ટંકારા : મોરબી માતાજીની માનતા પૂરી કરવા રાજકોટથી પગપાળા નિકળેલા કોળી પરિવારને અજાણ્યા બેકાબુ વાહનચાલકે હડફેટે લેતાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અન્ય ચાર ધાયલમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર છે. આજ વહેલી સવારે રાજકોટ-મોરબી રોડ હાઈવે પર બનેલાં આ અકસ્માતમાં ઘાયલોને ૧૦૮ની ટીમ સારવાર અર્થે રાજકોટ લઈ ગઈ હતી.
મોરબી અપડેટને બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં કોળી પરિવાર માતાજીની માનતા હોય ઘરથી પગપાળા નીકળતાં ટંકારા પાસે સવારનાં પાંચ વાગ્યા આસપાસનાં સુમારે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને હડફેટે લેતાં ઘટનાસ્થળે જ એક મોરબીનાં વીસી ફાટક પાસે રહેતા બેચર મગનભાઈ ટીડાણી નામનાં વ્યક્તિનું મોત થયું હતું. જયારે રાજકોટનાં રોજસરા પરિવારનાં બાબુ રાયસંગ ઉ.વર્ષ ૩૮, તેમના પત્ની ઉષાબેન ઉ.વર્ષ. ૩૦ તથા તેમની પુત્રી અલ્પાને ઉપરાંત મોરબીનાં ચંદ્રિકા બેન સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા રાહદારીઓએ ૧૦૮ને જાણ કરી તાત્કાલિક સારવાર અર્થે ટંકારા બાદ રાજકોટ ખસેડ્યા હતાં. જેમાં બે વ્યક્તિની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગોજારા અકસ્માતમાં રોજસરા પરિવારની નાની પુત્રીનો ચમત્કારિત બચાવ થયો હતો.
ટંકારા પોલીસનાં જમાદારએ તમામ કાગળો સાથે પ્રભુભાઈ ધીરજભાઈ કથગરાની ફરિયાદનાં આધારે અજાણ્યા વાહન વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ઘમઘમાટ શરુ કર્યો છે.

- text