મોરબીના પુસ્તક પ્રેમી ચલાવે છે મોબાઈલ લાઈબ્રેરી

- text


પુસ્તક અને પર્યાવરણ પ્રેમી ઘનશ્યામભાઈની સેવાકીય પ્રવૃત્તિ બની પ્રેરણા અને પ્રસંશાનો પર્યાય

મોરબી : આજનાં સમયમાં નવયુવાનો અને બાળકો દિવસ-રાત મોબઈલ – ઈન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત રહે છે ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતી ઘર-પરિવારોમાં વાંચનરસિકોની સંખ્યા ઘટી રહી છે. આજે પુસ્તકો વાંચવા કંટાળો, ખરીદવા આર્થિક સમસ્યા અને લાઈબ્રેરીએ જવું આળસનો વિષય બન્યા છે એ સમયે અમરેલી જિલ્લાનાં વડિયા-દેવળી ગામનાં વતની અને હાલ મોરબીમાં રહિ સિરામિક યુનિટમાં નોકરી કરતાં ઘનશ્યામભાઈ ડાંગરે પુસ્તક આપ-લેની મોબાઈલ લાઈબ્રેરી શરૂ કરી અનોકો સેવાયજ્ઞ આરંભ્યો છે.
મોરબીનાં શનાળા રોડ પર રહેતાં ઘનશ્યામ ભાઈએ ‘વાંચે મોરબી’ જુંબેશ અંતર્ગત છેલ્લાં કેટલાંક સમયથી મોબાઈલ લાઈબ્રેરી ચલાવે છે. જેમાં તેઓ દરરોજ પોતાના ટુ વ્હીલર પર વાંચકોને ઘર-ઘર સુધી પુસ્તકો પહોંચાડે છે. વળી પુસ્તકો વંચાઈ જાય એટલે ઘરે આવીને પરત પણ લઈ જાય. જેને જે પુસ્તક જોઈતુ કે વાંચવું હોય તેને ઘનશ્યામભાઈ પોતાની હજારો પુસ્તકોની સંખ્યા ધરાવતી લાઈબ્રેરીમાંથી પુસ્તક પુરતું પાડે. વાંચકને જોઈએ એ પુસ્તક પોતાની પાસે ન હોય તો ખરીદીને પણ વાંચકને જોઈતુ પુસ્તક વાંચનરસિક સુધી પહોંચાડે ખરા. પોતાની પાસે તમામ સારા-શ્રેષ્ઠ અને વાંચકોને ગમે તથા જોઈતા હોય તેવા પુસ્તકો હોય એ હેતુસર ઘનશ્યામભાઈ દર વર્ષે ૨૦૦થી વધુ પુસ્તકોની સ્વખર્ચે ખરીદી પણ કરે છે.
મોરબી અપડેટને ઘનશ્યામ ભાઈ જણાવ્યું કે, જે લોકોને પુસ્તક વાંચવા છે તે લોકોને અમુક કારણોસર પુસ્તક મળી રહેતા નથી. આથી મારો પ્રયાસ વાંચકને જોયતું પુસ્તક પ્રાપ્ત કરાવી તેમના વાંચન શોખને જાળવી રાખવાનો છે. આજે મારાં પુસ્તકોનાં વાંચકો અશક્ત, વૃદ્ધ, અપંગથી લઈ સમાજનાં દરેક નાના-મોટા માણસો છે. વર્તમાનમાં જયારે કોઈની પાસે ટાઈમ નથી ત્યારે હું મારો અંગત સમય ફાળવી મંદિરો અને વૃદ્ધશ્રમમાં પણ વાંચકો સુધી પુસ્તક પહોંચાડું છું. હાલનાં સમયમાં ‘વાંચે મોરબી’ જુંબેશ હેઠળ આશરે ૧૦૦ જેટલા વાંચકો મોબાઈલ લાઈબ્રેરીનો લાભ લઈ રહ્યા છે. આવનારા સમયમાં વધુને વધુ લોકોને પુસ્તકો વાંચતા કરી સાહિત્ય અને જ્ઞાનનાં દાન સાથે મા સરસ્વતીની સેવા કરવાનો હેતુ છે.
ઘનશ્યામભાઈ ડાંગર પુસ્તક સાથોસાથ પર્યાવરણ પ્રેમી પણ છે. છેલ્લાં દસ વર્ષથી તેઓ નિયમિતપણે મોરબીનાં સ્મશાનગૃહમાં વૃક્ષોની માવજત કરવા જાય છે તો બીજી તરફ પોતાનો અંગત સમય ફાળવી પુસ્તક પરબનું પવિત્ર કાર્ય કરે છે. જે સમગ્ર મોરબી જિલ્લામાં પ્રેરણા અને પ્રસંશાનો પર્યાય બન્યા છે.

- text