મોરબી : માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર યુવાનને સોસાયટીવાસીઓએ ધામધૂમથી પરણાવ્યો

 

‘પહેલો સગો પાડોશી’ કહેવતને ચરિતાર્થ કરતો પ્રસંગ : લોહીનાં સંબંધો મુરજાઈ ગયા તો લાગણીનાં સંબંધો ખીલ્યા

મોરબી : મૂળ ટંકારા તાલુકાનાં વીરપર ગામનાં અમે હાલ વિસીપરામાં ગુજરાત સોસાયટીમાં રહેતા આશિષ પરમારની સગાઈ કલ્યાણપુરની લીલા પરમાર સાથે થઈ હતી. ત્યારબાદ થોડાસમય પછી આશિષનાં માતા-પિતા સ્વર્ગવાસી બનતા એ શોકનાં સાગરમાં ડૂબી ગયો હતો. આ ઘટનાથી આશિષ અને લીલાનાં લગ્નમાં વિલંબ થઇ રહ્યો હતો એ સમયે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર યુવાનને તેના પડોસીઓએ પરિવાર તરીકે હૂંફ આપી ગુજરાત સોસાયટીનાં રહિશોએ સાગર અને લીલાનાં લગ્ન ધામધૂમથી કરાવી પહેલો સગો તે પાડોશીની કહેવતને ચરિતાર્થ કરી હતી.
તા. ૨૧ મેનાં રવિવારનાં રોજ ફ્રિડમ ફાઉન્ડેશન દ્વારા વાત્સલ્ય ફાઉન્ડેશનનાં સહયોગથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર આ યુવાનના લગ્ન ધામધૂમથી થાય તે માટે ગુજરાત સોસાયટીમાં રહેતા માયા કન્સ્ટ્રકશનનાં દિનેશભાઈ સાવરીયા નિમિત્તરૂપ બન્યા અને આખી સોસાયટીના રહીશો યુવકના પરિવારજનો તરીકે ઉત્સાહથી લગ્નમાં જોડાઈને જાનૈયાની ભૂમિકા ભજવી.
ગુજરાત સોસાયટીનાં તમામ રહિશો અલગ-અલગ જ્ઞાતિનાં અને એકબીજાથી અજાણ્યા હોવા છતા આશિષ અને લીલાનાં લગ્નમાં હાજર રહી પરિવારની ભૂમિકા ભજવી જાનને વાજતેગાજતે વધાવી તમામ વિધિઓ પૂર્ણ કરેલી હતી. આટલું જ નહી પરંતુ આશિષ અને લીલાનાં લગ્નમાં કન્યાદાન દિનેશભાઈ સાવરીયાનાં પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબીમાં તા. ૨૧ મેનાં રવિવારનાં રોજ ફ્રિડમ ફાઉન્ડેશન અને વાત્સલ્ય ફાઉન્ડેશનનાં સહયોગથી યોજાયેલા સમૂહલગ્નમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર યુવાનને સોસાયટીવાસીઓએ ધામધૂમથી પરણાવી ભારતીય સમાજમાં પાડોશીનાં મહત્વ સાથે લાગણીઓના સંબંધ અને ઋણાનુબંધભર્યા સગપણની જલક આપતું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. આજે જ્યારે લોહીનાં સંબંધો મરી જાય છે ત્યારે લાગણીનાં સંબંધો કેવું કામ કરી જાય છે તે ગુજરાત સોસાયટીનાં રહેવાસીઓ પાસેથી શીખવા જેવું છે.