આપણે ફક્ત એક જ દિશામાં વિકાસ કરીશું તે શું યોગ્ય છે ? : નિલેશ જેતપરિયા

મોરબી સિરામિકના પ્રમુખનો યુવાનોને સંદેશ

મોરબી : સિરામિક એસો. પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા મોરબી અપડેટનાં માધ્યમથી યુવાનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, આજે મોરબી ઉદ્યોગ ક્ષેત્રે અસામાન્ય હરણફાળ ભરી રહ્યું છે સાથોસાથ ધાર્મિક સંસ્થા તેમજ સામાજિક સંસ્થાના લોકો દ્વારા પણ સંસ્કાર સિંચન માટેના પ્રયત્નો અવારનવાર થતા રહે છે. મોરબીનાં યુવાનો વિશ્વકક્ષાએ જ્યારે હરીફાઈ કરતા કરતા સફળ થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે તેમાં મહેનત તો રહેવાની ત્યારે વિચારવાનું એ છે કે આપણે ફક્ત એક જ દિશામાં વિકાસ કરીશું તે શું યોગ્ય રહેશે?
ઔદ્યોગિક વિકાસ થતા મોરબીનાં દરેક લોકોનાં જીવનધોરણમાં ઘણો સુધારો આવી સુખ-સુવિધામાં વધારો થયો છે જેમાં શાકભાજી, રિક્ષાચાલક, નાસ્તાવાળા, દૂધની ડેરી, મેડીકલનો ધંધો કરતાં લોકોથી લઈ અને ઉદ્યોગકારોના જીવનમાં ટૂંક સમયમાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. જેમાં સામાજિક અને પારિવારિક સુખાકારી બાજુ આપણે એક ડગલું આગળ વધ્યા તેવું લાગ્યું છે પરંતુ ખરેખર જે રીતે એક સમયે આપણે ગામડે રહેતા અને બિંન્દાસ બાળક જેવું જીવન જીવતા હતાં, સવારે ૫ વાગ્યે ઉઠી અને રોજીદી ક્રીયા પતાવી સાંજે ઓટલા મિટિંગથી ગામ લોકો સાથે હળીમળીને જે રીતે રહેતા પછી સાંજે ૭ વાગ્યે વાળુ (જમણવાર) પતાવી લેતા અને ૯-૧૦ વાગ્યે સુઇ જતા અને કોઇ બીપી, ડાયાબીટીસ, તણાવ વગરની જિંદગી મસ્ત થઇને જીવતા તેનાથી વધુ અત્યારે વિકાસ કર્યો છે?
પ્રશ્ન એ થાય છે કે આપણે એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજીમાંથી ત્રીજી ફેક્ટરી… ચોથી… પાંચમી… ફેક્ટરી કર્યા બાદ ધનવાન તો થયા પણ ખરેખર તન અને મનથી સુખી થયા કે છીએ??
સંપતી જો તમને સુખી ના કરી શકે તો તેનો મતલબ શું?
આપણે અઠવાડિયાની એક રજા પણ નહી લેવાની?
શું પરીવાર ને ફક્ત તમારા કમાયેલા નાણા જ જોઇ છે?
સંતાનને પિતાના પ્રેમની ઊણપ હોય તેવું નથી લાગતું?
આપણી હરિફાઈ એવી કે વેવાઇ વેલા અને પાડોશી અને જુના ભાગીદારો ને ત્રણ કારખાના છે ને મારે તો બે જ છે અને તેની સાથેની હરિફાઈયુક્ત દોડધામમાં આપણે આપણુ ખુદનું આરોગ્ય, સુખ ચેન છીનવી લીધું હોય તેવું નથી લાગતું?
મારો પોતાનો ચાયના દેશના લોકો સાથેનો બહુ લાંબો અનુભવ છે, ત્યાના લોકોની જીવનશૈલીની નિયમિતતા ઘણી સારી છે તેમછતા તેઓ ખુશ નથી કારણકે આંતરીક હરિફાઈમાં બધુ છીનવીને લુંટાય ગયું ત્યારે આપણી તો જીવનશૈલીમાં ડોકીયુ કરી તો ખબર પડે કે આપણે ફક્ત વનવે વિકાસ કર્યો છે તે પણ શરીરના ભોગે. આજની યુવાપેઢી આ બધા પડકારોમા રસ્તો ભુલી જાય તેવા પરિબળો પણ સક્રિય હોય તેવા સમયે જ્યારે યુવાનોને જો યોગ્ય દિશા નહી મળે તો રસ્તો ભુલતા વાર નહી લાગે અને કોઇ એક સમાજ નહી પરંતુ સમગ્ર મોરબીનાં યુવાધનમાં પણ અમુક યુવાનો સટ્ટો, દારૂ અને અન્ય વ્યસનનાં રસ્તે ચડી ગયા છે તેવા સમયે માબાપ અને વડિલો એ તે તરફ ધ્યાન દેવું જરૂરી બની રહ્યું છે.
આજે ભાગદોડમા યુવાન કમાયા બાદ માનસ સ્વભાવ પ્રમાણે ફ્રેશ થવા માટે કાં તો શરાબ અને કાં તો શબાબ ના રસ્તે જતા હોય છે અને તેવું માને છે કે હુ કમાવું છું તો જલસા તો કરૂ જ ને પરંતુ આગળ જતા આ બન્ને વ્યસનથી રોગ અને આર્થિક બન્ને રીતે તે પોતે જ ખતમ થઇ જાય છે ત્યારે વિચાર આવે કે પરિવારના વડિલો ને પોતાના સંતાન કરતા પણ તે કમાઇ ને લાવે તે ધન વધુ વહાલું છે?
દરેક માબાપ લાચાર હોય છે કે પોતાના બગડેલા સંતાનને જાહેરમાં નહી પણ ઘરના ચાર દરવાજાની અંદર પણ કંઇ કહી શકતા નથી પોતાના સંતાનરૂપી સંપત્તિને વિનાશના રસ્તે જતા જોવા છતા પણ રોકી શકતા નથી ત્યારે આ જ સમયે માબાપ પણ પોતાના સંતાનને કહે કે, ઓછા કમાશો તો ચાલશે પણ પતનના માર્ગે ન જઇશ. પરિવાર ભેગો થાય કે પ્રસંગોમાં ભેગા થાય ત્યારે પણ સંપત્તિની ચર્ચા નહી કરતા સંસ્કારની વાતો કરજો. બહેનો પણ કાર, મોબાઇલ, વિદેશયાત્રાની વાતોના બદલે તેમના સર્વસ્વ સમા પતિદેવોના સંસ્કાર અને આરોગ્ય, પરિવાર પ્રેમની વાતો કરશે તો જ બીજા બહેનો તેમાથી પ્રેરણા લઇ અને કોઇ જે રસ્તો ભુલશે તો રોકશે.
શું પહેલી વાર જ્યારે પતિ દારૂ પીને આવે ત્યારે તેની પત્ની રોકે તો તેનું જીવન ના બચી શકે?
સૌ પ્રથમ પરિવારમાં વ્યસનની જાણ પત્નીને થતી હોય છે ત્યારે તે રોકી શકે જ..
આજે રવાપર રોડથી ઘુનડા રોડ પર વોકીંગ કરતા જતા જોઇને હદય દ્રવી ઊઠયું કે આ રીતે મોરબીનું યુવાધન બગડશે તો શું થશે? રવાપર ગામથી ઘુનડા રોડ ઉપર દર ૧૦ ફુટ ના અંતરે ખાલી દારૂના બોટલો આપણને ઘણું કહી જાય છે. ઉપરાંત સટ્ટા બજારના બુકીઓથી આપણુ યુવાધન જો ના બચ્યુ તો આ યુવાધન તમને કે તમારા પરિવાર ને કે દેશને શું આપશે? આ સમય છે દરેક પરિવારના મોભીને જાગવાનો કે આ દુષણમા પરિવારનો કોઈ ને કોઈ સભ્ય કદાચ હોમાઇ ન જાય…
અંતમાં બધા યુવાનો વ્યસન અને દૂષણ છોડી સમયસર ઘરે આવે, પરિવાર અને સંપત્તિની સાથે પ્રેમ પણ આપે, સામાજિક કાર્યમાં જોડાઈ સમાજ અને રાષ્ટ્રનિર્માણ માટે આગળ આવી સાચો ભારતીય બને તેવી આશા નિલેશભાઈ વ્યક્ત કરી છે.