હળવદ : કન્યા છાત્રાલયનાં લાભાર્થે ભાગવત સપ્તાહ : 24મીએ CM હાજરી આપશે

‘બેટી બચાવો બેટી પઢાવો’ સાથે દીકરીઓને ઉચ્ચ શિક્ષા અને સ્થાન આપવા સતવારા સમાજની અનોખી પહેલ

હળવદ : શ્રી સમસ્ત સતવારા સમાજની દીકરીઓનાં વર્તમાનને ભવિષ્યનાં શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ હેતુસર રુક્ષ્મણીબેન રામજીભાઈ પરમાર કન્યા છાત્રાલયનાં હળવદનાં વિકાસાર્થે તેમજ નવનિર્મિત શ્રી ભક્તિ વિદ્યાલયનાં લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન હળવદની હરિદર્શન હોટેલ પાસે છેલ્લાં ચાર દિવસથી કરવામાં આવી રહ્યું છે. જેમાં 24મી મેના રોજ કથાની પુર્ણાહુતી સમયે બપોરે 3 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે.

આ કથાનાં વક્તા શ્રીમાન અર્જુન સ્વરથીદાસ (પ્રભુજી) સૌ ધાર્મિકજનોને કથાનું રસપાન કરાવી રહ્યા છે. ભાગવત સપ્તાહનાં મુખ્ય યજમાન દલવાડી લાલજીભાઈ કાનજીભાઈ રણછોડભાઈ અને પ્રેમજીભાઈ તથા સહયજમાન ગીરીશભાઈ શામજીભાઈ નકુમ તથા સ્વ. સંદિપ રમણીકભાઈ રંગાડીયા સાથે કિશોર રામજીભાઈ (પ્રમુખ કન્યા છાત્રાલય), ડાયાભાઈ હડીયલ (ઉપપ્રમુખ) અને મંત્રી શ્રી ઠાકરશી ભાઈ ભીખાભાઈ વિશેષ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાનાં પ્રયત્નોમાં છે. આ દિવ્ય ધાર્મિક પ્રસંગે સંત-મહંતોએ વિશેષ પધરામણી કરી હટી. યજમાન તેમજ દાતાશ્રીઓનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રણજીતગઢ ગામની ૧૨ વર્ષની બાળા રાજવી ગોપાલભાઈ દલવાડીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ ભાગવત સપ્તાહમાં સતવારા સમાજનાં આગેવાનો, વડિલો, મહિલામંડળ ડોકટરો સહિત અનેક સંખ્યામાં સહાયકો અને ભાવિકો ઉમટી પડ્યા હતાં. જયારે કથાની આગામી તારીખ 24 મે ના રોજ પૂર્ણાહિતી સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવાના હોવાથી તેમના સ્વાગત માટે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.