મોરબી : યુવા ઉદ્યોગપતિ દ્વારા મનોવિકલાંગો માટે સેવાયજ્ઞ 

માનસિક અસ્થિરોની સેવા માટે અગવડો વેઠીને પણ વિપુલભાઈ છેલ્લા ૭ વર્ષથી સેવાચાકરી કરે છે

ઘણાં માનસિક અસ્થિર વ્યક્તિઓ મારવા દોડે છે, ગાળો પણ આપે છે છતાં તેમની અવિરત સેવા કરે છે

મોરબી : પંદર વર્ષ પહેલા નવસારીથી મોરબી ધંધાર્થે આવેલા વિપુલભાઈ માલવિયા આજે બે કારખાનાના માલિક છે. છેલ્લા સાત વર્ષથી જ્યાં પણ ટ્રાવેલીંગમાં જાય છે ત્યાં રસ્તામાં મળતા માનસિક અસ્થિર, વિકલાંગ વ્યક્તિઓની નિસ્વાર્થભાવે સેવા કરે છે. માનસિક અસ્થિર વ્યક્તિની નિ:સ્વાર્થ સેવાથી વિપુલભાઈને અનેકના આશીર્વાદ મળી આજે બહુ મોટી સફળતા પ્રાપ્ત કરી છે તેમ કહી શકાય. વિપુલભાઈનાં મતે પુણ્ય મંદિર જવાથી નહી પરંતુ અશક્ત અને અસમર્થ લોકો ને માતાપિતાની સેવા કરવાથી પ્રાપ્ત થાય છે. આ જ જીવનનું ખરું સૂત્ર છે.

મોરબીમાં ‘ડીઝાઇનર પોઇન્ટ’તરીકે ઓળખાતા ઉદ્યોગપતિ વિપુલભાઈ માલવિયા ૧૫ વર્ષ પહેલા ધંધો કરવા મોરબીમાં આવ્યા હતા. પાર્ટનર સાથે સામાન્ય ડીઝાઈનીંગનો ધંધો શરૂ કરી આજે ૧૫ વર્ષ બાદ તેઓ બે કારખાનાના માલિક છે. જેમની કંપની ટાઈલ્સ ડીઝાઈનીંગ બનાવીને  દેશ વિદેશમાં પણ મોકલે છે. વિપુલભાઈને બીઝનેસ અર્થે અવારનવાર ટ્રાવેલીંગ કરવું પડતું હોય છે. ટ્રાવેલીંગ દરમિયાન વિપુલભાઈ પોતાની ગાડીમાં પાણીની બોટલ, ચા, નાસ્તો, ચપ્પલ ઉપરાંત ઋતુ પ્રમાણે ચોમાસામાં રેઈન કોર્ટ, છત્રી તથા શિયાળામાં ધાબળા વગેરે સાથે રાખે છે જેથી રસ્તામાં મળતા માનસિક અસ્થિર વ્યક્તિઓ જ્યાં પણ મળે પોતાની ગાડી ઉભી રાખીને નાસ્તો અને જરૂરી ચીજવસ્તુ આપી સેવા કરે છે. જો કે, કેટલાક પાગલો વિપુલભાઈને મારવા દોડે છે, ગાળો પણ આપે છે છતાં તે સેવા કરવામાં પાછળ હટતા નથી. આ સેવાકાર્ય તેઓ છેલ્લા ૭ વર્ષથી કરે છે. જે સેવાયજ્ઞ માટેનો વિચાર એક અકસ્માતના બનાવથી આવ્યો હતો તેવું મોરબી અપડેટને જણાવતા વિપુલભાઈ કહે છે કે ,તેઓ સાત વર્ષ પહેલા ગાડીમાં જતા હતા ત્યારે તેને એક અકસ્માતમાં રોડ પર ઈજા પામેલી વ્યક્તિને જોઈ. જે વ્યક્તિની મદદ કરવા કોઈ જતું ન હતું. આથી વિપુલભાઈ તેની મદદ માટે દોડી ગયા અને તે વ્યક્તિને રસ્તા પર સાઈડમાં બેસાડીને સારવાર કરી ત્યારે બાજુના દુકાનદારએ જણાવ્યું કે તે ઈજાગ્રસ્ત માનસિક અસ્થિર છે. આમ તેમ રોડ પર ફર્યા કરે છે. આ ઘટના પરથી વિપુલભાઈને વિચાર આવ્યો કે આવા લોકોની સેવા જ સાચી સેવા છે. તે દિનથી આજની ઘડી સુધી જ્યાં પણ વિપુલભાઈ ટ્રાવેલીંગમાં જાય છે ત્યા જરૂરી બધી વસ્તુઓ સાથે લઇ જઈ માનસિક વિકલાંગ અને અસ્થિરલોકોની સેવા માટે સદાય તત્પર રહે છે. તેઓનું માનવું છે કે તે અત્યારે જે સુખ પ્રતિષ્ઠા ભોગવે છે તે બધું આવા લોકોની સેવા અને માતાપિતાના આશીર્વાદથી જ છે અને આ સેવાકાર્ય જ તેમનો જીવનમંત્ર છે. વિપુલભાઈ જેવા લોકો સમાજ માટે સેવાના ખરા અર્થનું ઉદાહરણ પૂરું પાડે છે.