મોરબી : દર ઉનાળે વકરતી પાણી સમસ્યાથી મહિલાઓ રોષે ભરાઈ

- text


પાણી પ્રશ્ને નગરપાલિકા કચેરીએ કોઈ હાજર ન હોવાથી મહિલાઓ ક્લેક્ટર કચેરીએ દોડી ઉગ્ર રજૂઆત કરી

મોરબી : શનાળા રોડ પર આવેલી ત્રણ સોસાયટીમાં લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. નગરપાલિકા દ્વારા પૂરતું પાણી વિતરણ ન કરવામાં આવતા મહિલાઓ રોષે ભરાઈ છે. મહિલાઓ પાણીની સમસ્યાની અડચણ પાલિકા કચેરીએ રજૂ કરવા જતાં કોઈ અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી મહિલાઓનું ટોળું ક્લેક્ટર કચેરીએ દોડી જઈને ક્લેક્ટર સમક્ષ પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી.
આકરા ઉનાળામાં ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે શુક્રવારે શનાળા રોડ પર આવેલી નીતીનપાર્ક સોસાયટી, વૃંદાવન સોસાયટી અને સ્વાગત એપાર્ટમેન્ટની ૩૦થી વધુ મહિલાઓનું ટોળું સોસાયટીના પાણી પ્રશ્ને ગઈકાલે બપોરે મોરબી નગરપાલિકાની કચેરીએ દોડી ગયું હતું. નગરપાલિકા કચેરીએ અધિકારી કે પદાધિકારી હાજર ન હોવાથી મહિલાઓનું ટોળું ક્લેક્ટર કચેરીએ દોડી ગયું હતું. જ્યાં મહિલાઓએ રજૂઆત કરી હતી કે, ઉનાળાની કાળજાળ ગરમીમાં આમતેમ પાણી માટે ભટકવું પડે છે. ગયાં વર્ષે પણ પાણીની સમસ્યા હતી જ જે આ વખતે પણ યથાવત રહી છે. તંત્ર દ્વારા આ અંગે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. છેલ્લાં ઘણાં સમયથી પાણી આવતું નથી તે માટે ઘણાં આંદોલનો પણ ચલાવવામાં આવે છે ત્યારે થોડો સમય નિયમિત પાણી વિતરણ કરવામાં આવે છે પછી ફરી પાણીની સમસ્યા ઉદભવે છે. આમ ભરઉનાળે પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણી વેચાતું લેવું પડે છે. આ કેટલું યોગ્ય?
આમ, પાણીની ગંભીર સમસ્યા નિવારણ અંગે મહિલાઓ જ્યાંરે નગરપાલિકામાં ફોન કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા દ્વારા પ્રત્યુતર આપવામાં આવે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ અને જેને કહેવું હોય તેને કહો પણ પાણી નહી અપાય. નગરપાલિકાની અવળચંડાય અને ઉનાળાનાં તડકામાં પાણીની અછત કોઈ ગંભીર ઘટના કે મહિલાનો ભોગ ન લઈ લે એ જોવું રહ્યું.

- text