વાંકાનેર : દલિત યુવક મર્ડર કેસની સમસમી જનારી સમગ્ર ચકચારી ઘટના વાંચો..

વાંકાનેર : કોઠારિયા ગામે પારિવારિક ઝગડા બાદ દલિત યુવકને કુટુંબનાં જ બે ભાઈઓએ લાકડી પાઈપ વડે બેરેહમીથી માર મારી મારી નાખ્યાના બનાવમાં ઝડપાયેલા આરોપીઓનાં ચાર દિવસનાં રિમાન્ડ પૂરા થતા વાંકાનેર કોર્ટે જેલ હવાલે કર્યા હતા.
સમગ્ર બનાવની વિગત મુજબ ગત તા. ૧૧ મેનાં રોજ કોઠારિયા ગામે રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા દલિત યુવક સતીષ ચાવડાને પારિવારિક મનદુ:ખના કારણોસર તેના જ બે કૌટુંબિક ભાઈઓ મહેન્દ્ર અને દલીપ ચાવડાએ ઝગડો કરી ઢોર માર મારતા સતીષનું મોત નીપજ્યું હતું. ખૂન કરી નાસી છુટેલા બંને હત્યારાઓને પાંચ દિવસ અગાઉ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી તાલુકા પોલીસે ઝડપી કોર્ટમાં રજૂ કરતાં ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પોલીસને મળેલા રિમાન્ડ દરમિયાન તાલુકા પોલીસ સમક્ષ બનાવ બાબતે મહેન્દ્ર અને દિલીપે આપેલી કબુલાત મુજબ બનાવની રાત્રીનાં આશરે ૧૦.૩૦ વાગ્યાનાં સમયે મહેન્દ્ર અને દિલીપ કોઠારિયા ગામ નજીકથી માટી લઈ પોતાના ખેતરમાં નાખતા હતા ત્યારે સતીષ સાથે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક યુદ્ધ થયેલું. જે દરમિયાન સામસામી મારવાની અને જોઈ લેવાની ધમકીઓ અપાઈ હતી. ખેતર નાં કામમાંથી છુટા પડ્યા બાદ રાત્રીના લગભગ ૨ વાગ્યાની આસપાસ દિલીપ અને મહેન્દ્ર કામ પરવારીને ઘરે જતા હતા એ સમયે તેઓના ઘરની નજીક સતીષ પણ ત્યાં રહેતો હોય, પસાર થતા ફરીથી ત્રણેયની વચ્ચે ઝગડો થયો હતો. જેમાં લાકડીઓ-પાઈપની મારામારીમાં સતીષ ગંભીર રીતે ઘવાયો હતો.
માર મારનાર બંને ભાઈઓએ ઘાયલ સતીષને તેની જ રિક્ષામાં કોઠારિયા ગામમાં રહેતા તેનાં કાકાને ત્યાં વહેલી સવારે તરફડતો મૂકી દિલીપ અને મહેન્દ્ર બંને પોતપોતાના ઘરે જઈ સૂઈ ગયેલા. સવારે તેઓને સતીષનાં મૃત્યુનાં સમાચાર મળ્યા બાદ કોઠારિયાથી લજાઈ ચોકડી-રાજકોટથી અમદાવાદ નાસી છુટ્યા હતા. જ્યાં બંનેને ત્રણ દિવસ સુધી કઈ સૂઝ ન પડતા પરત આવતા સમયે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી તાલુકા પોલીસના હાથમાં ઝડપાઈ ગયા હતા.
દલિત મર્ડર કેસમાં આરોપી દિલીપ અને મહેન્દ્રને પકડી પાડી સમગ્ર કેસને આસાનીથી ઉલેકતા તાલુકા પોલીસને મોટી સફળતા મળી છે.