મોરબી : ખેડૂતોને બેંક ધિરાણ માટે જરૂરી કાગળિયાં પૂરા પાડવામાં તલાટી મંત્રીઓનાં ઠાગાઠયા, બેંક વસૂલે છે ગેરવાજબી ડોક્યુમેન્ટ ચાર્જ

- text


- text

ધિરાણ માટે જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઈન સરળતાથી મળી રહે તે માટે ઘટતા પગલા ભરવાની માંગણી

મોરબી : જિલ્લા કોંગ્રેસ સમિતિનાં કાર્યાલય મંત્રી કાન્તિલાલ ડી. બાવરવાએ કેન્દ્રિય કૃષિ મંત્રી શ્રી પુરુષોતમ રૂપાલાને ખેડૂતોને પાક ધિરાણ લેવા દરમિયાન પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા બાબતે અરજી કરી છે. જે અરજીમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં ખેડૂતોને પાક ધિરાણ લેવાનો સમય ચાલે છે. આ પાક ધિરાણ લેવા માટે ઘણા ખેડૂતો સહકારી મંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે. એ સમયે ખેડૂતો જ્યારે બેંકમાં પાક ધિરાણ લેવા જાય છે ત્યારે તેની પાસે ૭-૧૨, ૮-અ ,નમુના ન. ૬ માંગવામાં આવે છે. જે હાલ માં ફક્ત તાલુકા મથકે જ મળે છે. જેથી ખેડૂતોને વારંવાર તાલુકા મથકે જવું પડે છે. તો આ ૭-૧૨, ૮-અ, નમુના ન.૬ તેઓને જેતે ગામમાં જ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગણી છે. તેમજ સરકાર દ્વારા આ ૭-૧૨, ૮-અ, નમુના ન.૬ જેતે ગામમાં જ મળશે. તેવી જાહેરાત કરવામાં આવેલ હોવાનું લોકો કહી રહ્યા છે. તો આ જાહેરાત નો અમલ ક્યારે કરવામાં આવશે. તેવું લોકો જાણવા મથી રહ્યા છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટી મંત્રી હોય છે. જેથી તલાટી જેતે ગામમાં હાજર મળતા ન હોવાથી લોકો પરેશાન થાય છે. તો સરકાર દરેક ગામ પંચાયતમાં કોમ્યુટર મૂકી ઓનલાઈન આ ૭-૧૨, ૮-અ, નમુના ન.૬ મળી રહે તેવી વ્યવસ્થા કરી જગતના તાતનું કોઈક તો બેલી થાવ તેવું લોકો કહી રહ્યા છે.
આ ઉપરાંત સરકારી નિયમ અનુસાર ૭-૧૨માં બોજો લખવાની જોગવાઈ છે. અને તેથી બોજો લખાયેલ ન હોવા છતાં પણ જમીન વિકાસ બેંક, ગામની મંડળી, જીલ્લા સહકારી બેંક કે અન્ય બેંકમાંથી નો ડ્યુ માંગવામાં આવે છે. ખરેખર તો બોજો લખવો તે તલાટીની ફરજમાં આવે છે. અને જેતે બેંક દ્વારા બોજાની ડીટેઇલ લાગત તાલુકા વિકાસ અધિકારીને પહોચતી કરવાની હોય છે. આમ છતાં ખેડૂતોને ધક્કા ખાવા પડે છે. અને આ લાચાર જગતનો તાત હેરાન થાય છે. તો પણ સરકાર તરફથી વાતો સિવાય કોઈ નક્કર પગલા ભરવામાં આવતા નથી તે દુ:ખદ બાબત છે. એ સિવાય કેટલીક બેંકો દાખલા કાઢી આપવાની ફી વસૂલ કરે છે. ખેડૂતો પાસેથી જમીનના ટાઈટલ ક્લીયર રીપોર્ટની પણ ફી લેવામાં આવે છે.તો આવા દાખલા નિ:શુલ્ક કાઢી આપવામાં આવે તેવા આદેશો બહાર પાડી ઘટતું કરવાની અરજી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા કરવામાં આવી છે.

- text