મોરબી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કલેકટરને હાઈકોર્ટેનું તેડું !

મોરબી : નગરપાલિકા પ્રમુખ મનમાની કરીને વારંવાર જનરલ બોર્ડની બેઠક છેલ્લી ઘડીએ મુલત્વી રાખી ચૂંટાયેલા સભ્યોના હક્ક પર તરાપ મારતા હોવાનું જણાવી આ અંગે કોંગ્રેસના સુધરાઈ સભ્ય દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવતા હાઈકોર્ટે મોરબી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, કલેકટર, ગુજરાત સરકારના નગરપાલિકા નિયામક અને શહેરી વિકાસ વિભાગના સચિવને તા. ૬-૬-૧૭ના રોજ હાઈકોર્ટમાં હાજર થવા સીવીલ નોટીસ પાઠવ્યાનું મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરની યાદીમાં જણાવાયુ છે.
તેમના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના સભ્યોના પક્ષાંતરનો પ્રશ્ન લાંબા સમયથી સચિવાલય ગાંધીનગર સમક્ષ ચાલે છે. જેમા વારંવાર મુદતો પડે છે તેમજ મોરબી નગરપાલિકા પ્રમુખ પોતાની મનમાની ચલાવી બોર્ડની બેઠક વારંવાર મુલત્વી રાખે છે. જેના કારણે સુધરાઈ સભ્યો પ્રજાકીય કામો કરી શકતા નથી અને આ બાબત કોંગ્રેસના સુધરાઈ સભ્ય ફારૂકભાઈ મોટલાણીએ ગુજરાત હાઈકોર્ટમાં તા. ૨-૫-૧૭ના રોજ અરજી કરી હતી. દાદ માગી હતી, હાઈકોર્ટના મદદનીશ નાયબ રજીસ્ટ્રારે મોરબી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કલેકટર, ગુજરાત સરકારના નગરપાલિકા નિયામક અને શહેરી વિભાગના સચિવને તા. ૬-૬-૧૭ના રોજ હાઈકોર્ટે હાજર થવા નોટીસ પાઠવી છે.