વૈશ્વિક સ્તરે ત્રાટકેલા Ransom ware વાઈરસથી બચવા મોરબી જિલ્લા તંત્રએ તમામ કચેરીને એલર્ટ કરી

કોમ્પ્યુટર સિસ્ટમ તથા તેના ડેટાને સુરક્ષિત રાખવા યોગ્ય સૂચનો જાહેર કરતી સાઈબર ક્રાઈમ સેલ

મોરબી :દુનિયાનાં ૧૦૦ જેટલા દેશોમાં Ransom ware નામનાં વાઈરસથી તરખાટ મચી ગયો છે એ સમયે વૈશ્વિક સ્તરે ત્રાટકેલા Ransom ware વાઈરસથી બચવા મોરબી જિલ્લા તંત્રએ પણ જિલ્લાની તમામ કચેરીને એલર્ટ કરી છે. જયારે કોમ્પ્યુટર વપરાશકર્તા કઈ રીતે પોતાની કોમ્પ્યુટર સિસ્ટમ અને ડેટાને સુરક્ષિત રાખી શકે તે અંગે સાઈબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચે સૂચનો જાહેર કરી આપ્યા છે. Ransom ware વાઈરસ કોમ્પ્યુટરમાં રહેલા તમામ ડેટા અને સિસ્ટમને ઈન્ક્રીપ્ટ કરતો હોવાથી અત્યંત જોખમી પુરવાર થતા કોમ્પ્યુટર યુસર્સને એન્ટી રેન્સમવેર સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા અને ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ રાખવા સાથે કોઈપણ અજાણ્યા ઈમેંઈલને ઓપન ન કરવા ખાસ સુચવામાં આવ્યું છે.
મોરબી અપડેટની ટીમે જ્યારે મોરબી જિલ્લાનાં એસ.પી. જયપાલસિંહ રાઠોળ અને કલેકટર આઇ.કે.પટેલને Ransom ware વાઈરસ અંગે પૂછ્યું હતું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, Ransom ware વાઈરસથી બચવા જિલ્લાની તમામ કચેરીને એલર્ટ કરી દેવાઈ છે. તમામ કચેરીને આ વાઈરસ અંગેની જાણકારી અને સૂચનો જાહેર કર્યા છે. જોકે Ransom ware વાઈરસનો હજુ એકપણ બનાવ મોરબી જિલ્લામાં સામે આવ્યો નથી. કોમ્પ્યુટર વપરાશકર્તા ઈન્ટરનેટનો ઓછો અને સાવચેતીપૂર્ણ ઉપયોગ કરે તથા કોઈપણ અજાણ્યા ઈમેંઈલ અને લિંક ઓપન ન કરે. અગત્યનાં ડેટાનો સમયાંતરે બેકઅપ લઈ લેવો જરૂરી છે. તંત્ર કોઈપણ પ્રકારનાં સાઈબર આક્રમણ સામે લડવા સજ્જ છે. આ અંગેની વધુ માહિતી માટે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચ ટે.નં. ૦૭૯ ૨૨૮૬૧૯૧૭ અને ૦૭૯ ૨૫૩૯૮૫૪૯ પર સંપર્ક કરી શકાય છે.