મધર ડે સ્પેશિયલ..મોરબીમાં એક વાત્સલ્ય મૂર્તિ માતાએ પોતાની પુત્રીના શિક્ષણ માટે પોતાની જાતને ઘસી નાખી

- text


મોરબી : લોકો કહે છે કે ઈશ્વર દરેક જગ્યાએ પહોચી નથી શકતો એટલે જ તેને માતાનું સર્જન કર્યું. ઈશ્વરના અવતાર રૂપ વાત્સલ્ય મૂર્તિ માતા પોતાના બાળકોના ઉછેર માટે પોતાની જાતને સમર્પિત કરી નાખે છે. આવી રીતે મોરબીમાં એક વાત્સલ્ય મૂર્તિ માતાએ પોતાની પુત્રીના ઉછેર અને શિક્ષણ માટે પોતાની જાતને પણ ઘસી નાખી પુત્રીને ઉચ્ચકક્ષાનું વિદ્યાદાન આપીને સમાજમાં મોભાદાર સ્થાન અપાવ્યું છે. જયારે દીકરીએ પણ માતાનું આ ઋણ ચુકવવા માટે ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો છે. અને તેના પ્રયાસો થી ૪૫૦ બાળકો સ્કુલે જતા થઇ ગયા.
મોરબીમાં ગઢનીરાંગ પાસે રહેતા ફાતીમાબેન કાસમભાઈ કુરેશી (ઉ.મ.૫૦) પતિના અવસાન બાદ દોઢ વર્ષની માત્ર એકની એક દીકરી ફરઝાના સાથે તેઓ ભાઈના ઘરે રહેવા આવતા રહ્યા. ત્યાં ભાઈ પર નિર્ભર રહેવાને બદલે તેઓ પારકા ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. સાથે પુત્રી ફરઝાના ને પણ ભણાવી ગણાવી હતી, તેથી પુત્રીને શિક્ષણ આપવા માટે કપરો સંઘર્ષ કર્યો. પારકા ઘરકામ કરી પુત્રીને ઉચ્ચશિક્ષણ આપ્યું. આ માટે તેમણે આર્થિકની સાથે સામાજિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો. તો પણ હિમત ન હારતા આજે પોતાની દિકરીને ડબલ ગ્રેજ્યુએટ કરી છે. આજે તેમના ચહેરા પર ખુશી જોવા મળે છે. જયારે પુત્રી ફરઝાનાએ પણ અભ્યાસની સાથે પોતે પ્રાઇવેટ નોકરી કરતા કરતા એમ.કોમ અને પી.જી.ડી.સી.એ. સુધીનો અભ્યાસ કર્યો.
આજે પુત્રી ફરઝાના પગભર છે. અને ઘરની અર્થિક જવાબદારી ઉપાડીને માતાને પારકા ઘરના કામોમાંથી મુક્તિ અપાવી છે. સાથો સાથ પુત્રી ફરઝાનાએ માતાનું ઋણ ચૂકવા માટે અને તેની માતાની જેમ બીજી માતાઓને પણ સંઘર્ષ ના કરવો પડે અને ગરીબ બાળકો અભ્યાસથી વંચિત ના રહે તે માટે ઝુંપડપટ્ટીના બાળકો માટે શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો. શરૂઆતમાં ગરીબ બાળકોના વાલીઓ પોતાના બાળકોને ભણવા મોકલતા ન હતા. ત્યારે ફરઝાનાએ તેમણે ધીમે ધીમે સમજાવીને બાળકોને ભણવા મોકલવા માટે રાજી કર્યા. અને આજે ફરઝાના છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય વેતનમાં ચાર કલાક સુધી ઝુંપડપટ્ટીના બાળકોને નિયમિત અભ્યાસ કરાવી અને તેના પ્રયાસો થકી ૪૫૦ ઝુંપડપટ્ટીના બાળકો સ્કુલે જતા કાર્ય છે. ફરઝાના ગરીબ બાળકોની સાથે અનાથ આશ્રમના બાળકોને પણ શિક્ષણ આપે છે. તેના આ ભગીરથ પ્રયાસોથી મુખ્મંત્રીના હસ્તે પણ તેનું સમ્માન થયું છે, આ શિક્ષણ કાર્યમાં તેને સામાન્ય વેતન મળતું હોવાથી ૨૮ વર્ષે પણ અપરણિત ફરઝાના બે થી ત્રણ જગ્યાએ પ્રાઇવેટ નોકરીને પોતાનું તથા માતાનું જતન કરી રહી છે. જો કે મુસ્લિમ સમાજમાં શિક્ષણનું મહત્વ ઓછું છે. ત્યારે ઓછું ભણેલા પણ ગણેલા મુસ્લિમ મહિલાએ પોતાની પુત્રીને શિક્ષણ આપવા માટે કપરો સંઘર્ષ કરી પુત્રીને ઉચ્ચ અભ્યાસ અપાવી તેની એવી પરવરીશ કરી કે આજે તેમની પુત્રી ફરઝાનાના કાર્યોથી ઝુંપડપટ્ટીના બાળકો સ્કુલે જતા થયા છે.

- text