મોરબી : અસામાજીક તત્વો વારંવાર પાણીની લાઈન તોડી નાખતા હોવાની ફરિયાદ

- text


ખુદ પાણી પુરવઠા વિભાગએ અસામાજીકો સામે કાર્યવાહી કરવા પોલીસને કરી ફરિયાદ

- text

મોરબી : રાજપર ગામે પાસે અસામાજીકોના કારસ્તાનને કારણે વગર વાકે નિર્દોષ ગ્રામજનોને છતે પાણીએ વલખા મારવાનો સમય આવ્યો છે. અસામાજીક તત્વો વારંવાર પાણીની પાઈપલાઈન તોડી નાખતા પાણીની મોકાણ સર્જાઈ છે. ત્યારે ખુદ પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યચાલક ઈજનેરે મોરબી તાલુકા પીએસઆઈને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, મોરબી તાલુકાના રાજપર ગામે પાણી પુરવઠાની પસાર થતી પાઈપલાઈન અસામાજીક તત્વોએ તોડી નાખી છે. જેમાં તા.૨૫ એપ્રિલ, ૬ મે, અને ૧૦ મે ના રોજ એમ ત્રણ વખત અસામાજીક તત્વોએ રાજપર ગામ પાસેની પાણીની પાઈપ લાઈન તોડી નાખી છે. જેથી પાણીની લાઈનમાં ભંગાણ થવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે. આ લાઈન રાજપર ઉપરાંત થોરાળા, ચાચાપર, ખાનપર, પંચાસર, મોટીવાવડી, ગાંધીનગર, માણેકવાડા, અમરાપર, નાગલપર, સહિતના ગામોમાં પાણી પહોચાડવામાં આવે છે. પરંતુ અસામાજીકો વારંવાર પાઈપલાઈન તોડી નાખતા હોવાથી પાણી પુરવઠાને આ ગામોમાં પાણી પહોચાડવામાં વિક્ષેપ પડે છે. અને ઉપરોક્ત ગામોમાં પાણી અપૂરતું પહોંચવાથી ગામ લોકોને કાળજાળ ઉનાળામાં પાણી મેળવા માટે કપરો સંઘર્ષ કરવો પડે છે. તેથી તેમણે અસામાજીક તત્વો સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. જોકે અસામાજીક તત્વોના પાઈપ લાઈન તોડવા પાછળના મલીન ઈરાદાઓ અંગે તપાસ થવી જરૂરી છે.

- text