ચાઇના ને ફાયદો કરાવનારી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી સામે સિરામિક ઉદ્યોગ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે..

- text


મોરબી : વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગને કેન્દ્ર સરકાર અન્યાય કરતી હોય તેવો માહોલ તાજેતર માં લાગુ કરાયેલી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી પર થી સર્જાયો છે. સિરામિક ઉદ્યોગ દ્વારા લાંબા સમયથી ચાઇનીઝ સિરામિક ઉત્પાદનો સામે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની માગ કરાઈ રહી હતી. જેની સામે સરકારે એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી એવી રીતે લાગુ કરી કે જેનાથી ભારત ના સિરામિક ઉદ્યોગ ને ફાયદો થવા ના બદલે નુકસાન થાય. ત્યારે સરકાર દ્વારા ચાઇનીઝ કંપનીઓને ફાયદો કરાવનારી નીતિ અમલમાં મુકાતા સિરામિક ઉદ્યોગ દ્વારા હાઈકોર્ટના દ્વારા ખખડાવાનો નિર્ણય લેવાયો છે.

- text

વિશ્વના અનેક દેશોએ ચાઇનીઝ ઉત્પાદનો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદી દીધી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગે પણ વૈશ્વિક અને સ્થાનિક હરીફાઈમાં ટકી રહેવા માટે કેન્દ્ર સરકાર પાસે ચાઇનીઝ સિરામિક પ્રોડક્ટ્સની આયાત પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જેમાં સરકારના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડીજીએડી (ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીઝ એન્ડ એપ્લાઈડ ડ્યૂટીઝ) વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પડાયું હતું. જે મુજબ ચાઈનાની ચાર મોટી સિરામિક કંપનીઓ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવી નથી. જે કંપનીઓમાં ન્યુ જોંગ યોન સિરામિક, ન્યુ પર્લ સિરામિક, હોશી યોન સિરામિક, એન્સોનાઈટ સિરામિકનો સમાવેશ થાય છે. ચાર કંપનીઓ 70 % થી વધુ માલ એક્સપોર્ટ કરે છે ત્યારે ચાર કંપનીઓ સાથે વિભાગ દ્વારા કોઈ મોટું સેટલમેન્ટ થયાની ચર્ચા પણ ઉઠી રહી છે. જયારે અન્યદેશોમાં ટ્રક ભાડું અથવા તો ટ્રાન્સપોર્ટશન રેટને પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં ઉમેરવામાં આવે છે. જે હાલ માં લાગુ કરાયેલી એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીમા આ નિયમ લાગુ કરાયો નથી. ઉપરાંત ચાઈનાની નાની-નાની કંપનીઓ પણ ચાર મોટી કંપનીઓ મારફત એક્સપોર્ટ કરે તો તેમને પણ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગુ ના પડે. ચાર કંપનીઓ ઉપરાંત અન્ય બે કંપનીઓ પર માત્ર ૦.૨૮ ડોલર અને વધુ કંપની પર માત્ર ૦.૩૦ ડોલર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવશે. આ અંગે મોરબી સિરામિક એસોસિયેશન ના પ્રમુખ કે.જી.કુંડારિયાએ મોરબી અપડેટ.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રસરકારના વિભાગ દ્વારા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી મોરબીનો સિરામિક ઉદ્યોગ નારાજ છે અને અધિકારીઓએ જે નિર્ણય કર્યો છે તે કાયદા સાથે સુસંગત નથી. નિર્ણયથી ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થશે અને ન્યાય માટે હાઇકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવશે.

- text